Holika Dahan

                                                                                 Home

www.shrikrishnashram.org

હોલિકા દહન - ફાગણ સુદ પૂર્ણિમા - હુતાશની પૂર્ણિમા 


     ભારતમાં હોલિકા દહન (હોળી) ૦૭/૦૩/૨૦૧૨ બુધવારે છે. તે દિવસે સૂર્યાસ્ત પછી હોલિકા દહન થશે. પૂર્વી દેશો જેવાકે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, મલેશિયા આદિ માં હોળી ૮મી તારીખે છે. 

     ભારતીય સનાતન વૈદિક પરંપરામાં કાલનિર્ધારણ અને કાલનું નામ કરણ પ્રકૃતિના ચક્રને પ્રતિબિંબિત કરે તે રીતે કરવામાં આવે છે. જ્યૌતિષશાસ્ત્રમાં વૈદિકકાળમાં માસના નામ મધુ માધવાદિ હતા. બારેય માસના વાજ, પ્રસવ આદિ અન્ય નામ પણ છે. વાજ એટલે અન્ન. ચૈત્ર માસના કાલમાં અન્ન પુષ્કળ માત્રામાં પરિપક્વ થાય છે, અન્નનું પ્રાચુર્ય હોય છે, માટે તે કાલ(ચૈત્ર) મહિનો અન્નરૂપ છે અત: તેને વાજ કહે છે. આ રીતે બારેય માસના ભૌતિક અને આધ્યાત્મિક લાક્ષણિકતાઓને આધારે નામ કરવામાં આવ્યા છે. માસના નામ જે તે કાળની પરિસ્થિતિને વર્ણવતા અર્થવાળા છે. 

     वाजाय स्वाहा प्रसवाय स्वाहाऽपिजाय स्वाहा क्रतवे स्वाहा वसवे स्वाहाऽहर्पतये स्वाहाह्ने मुग्धाय स्वाहा मुग्धाय वैन&शिनाय स्वाहा विनशिन आन्त्यायनाय स्वाहान्त्याय भौवनाय स्वाहा भुवनस्य पतये स्वाहाधिपतये स्वाहा प्रजापतये स्वाहा|(१८-२८) मधवे स्वाहा माधवाय स्वाहा शुक्राय स्वाहा शुचये स्वाहा नभसे स्वाहा नभस्याय स्वाहेस्वाय स्वाहोर्जाय स्वाहा सहसे स्वाहा सहस्याय स्वाहा तपसे स्वाहा तपस्याय स्वाहांहस्पतये स्वाहा|| (वा. सं. २२-३१)

     આપણા ઋષિમુનિઓએ ખગોળિય પરિસ્થિતિનાં અર્થને પ્રકાશિત કરતાં માસનાં અન્ય કાર્તિકાદિ નામ પણ કહ્યા છે. ભચક્રના ૨૭ ભાગોમાં સ્થિત તારાઓના સમૂહોની નક્ષત્ર એવી સંજ્ઞા થઇ. તે સમૂહમાં જે મુખ્ય તારો હોય છે તેને યોગતારા કહે છે. સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વેધસિદ્ધ કરી નક્કી કર્યુ કે પૂર્ણિમા વખતે (અર્થાત્ જ્યારે જ્યારે સૂર્ય-ચંદ્રનું અંશાત્મક અંતર ૧૮૦ અંશ હોય છે) ત્યારે ચંદ્ર અમુક ચોક્કસ નક્ષત્રના તારાઓ પાસે જ હોય છે. તે નક્ષત્રના નામ પરથી માસના નામકરણ કર્યા; જે આજે પણ એટલાજ સાર્થક છે! યથા, ચંદ્ર પૂર્ણિમા વખતે કૃત્તિકા નક્ષત્રના તારાઓ પાસે હોય તો કાર્તિક, મૃગશીર્ષ નક્ષત્રના તારાઓની પાસે હોય તો તે માસને માર્ગશીર્ષ એવુ નામ આપવામાં આવ્યુ. પુષ્ય નક્ષત્રની પાસે હોય તો પૌષ, મઘા નક્ષત્રની પાસે હોય તો માઘ, પૂ. ફાલ્ગુની નક્ષત્રની પાસે હોય તો ફાલ્ગુન, ચિત્રા નક્ષત્રની પાસે હોય તો ચૈત્ર, વિશાખા નક્ષત્રની પાસે હોય તો વૈશાખ, જ્યેષ્ઠા નક્ષત્રની પાસે હોય તો જ્યેષ્ઠ, પૂ.ષાઢા નક્ષત્રની પાસે હોય તો આષાઢ, શ્રવણ નક્ષત્રની પાસે હોય તો શ્રાવણ, પૂ.ભાદ્રપદ નક્ષત્રની પાસે હોય તો ભાદ્રપદ, પૂર્ણિમા વખતે જો ચંદ્ર અશ્વિની નક્ષત્રના તારાઓની પાસે હોય તો તે માસને આશ્વિન કહેવામાં આવ્યો. 

     ફાગણ: ફાગણ મહિનાનું વૈદિક નામ તપસ્ય છે. ચૈત્રાદિ વર્ષમાં ફાગણ મહિનો વર્ષના અંતમાં આવતો હોવાથી તથા ઠંડીની કમીને કારણે વધારે રૂચિકર અથવા વસંત ઋતુનાં આવિર્ભાવને કારણે વધારે સ્વાસ્થ્યપરક-સુંદર, અધિક પાલન કરનાર અધિપતિરૂપ છે માટે તેને અધિપતિ પણ કહવાયો. ફાગણ મહિનાની પૂર્ણિમા સમયે ચંદ્ર પૂ, ફાલ્ગુની નક્ષત્રની આસપાસ હોય છે અત: ફાલ્ગુન માસ થયો, જેને ગુજરાતીમાં ફાગણ કહીએ છીએ. 

     સુદ: કૃષ્ણ એટલે કાળુ અને શુક્લ એટલે સફેદ. જે દિવસોમાં ચંદ્ર ધોળો થતો જાય અર્થાત્ તેની કલાઓ વધતી જાય તેને શુક્લપક્ષ કહેવામાં આવ્યો. અને જે દિવસોમાં ચંદ્ર કાળો પડતો જાય અર્થાત્ તેની કલાઓ ઘટતી જાય તેને કૃષ્ણપક્ષ કહેવામાં આવ્યો; જેને ગુજરાતીમાં વદ કહે છે. શુક્લ પક્ષને ગુજરાતીમાં સુદ કહે છે. 

     પૂનમ: શુક્લ પક્ષમાં ચંદ્ર ધોળો થતો થતો જ્યારે સૂર્ય સાથે ૧૮૦ અંશના અંતરે આવે છે ત્યારે સૂર્યના કિરણોથી તે સંપૂર્ણ કલા વાળો પ્રકાશિત ગોળ બને છે તેને પૂર્ણિમા કહે છે; જેને ગુજરાતીમાં પૂનમ કહેવાય છે. 

     આ રીતે ફાગણ સુદ પૂનમ એ કેવલ તિથિ નથી અપિતુ પ્રકૃતિની એવી ઘટના છે કે જે આપણને ઘણુ બધુ કહી જાય છે. 

     ભારતીય સનાતન પરંપરાઓમાં ઘણા તહેવારો અને ઉત્સવો છે, દરેક તહેવારનું સ્વતંત્ર વૈશિષ્ટ્ય છે સૃષ્ટિ માટે તેમાંથી કંઇકને કંઇક સંદેશ પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ उत्सवप्रिया: खलु मानुषा: મનુષ્યોને ઉત્સવો પ્રિય હોય છે. તેનાથી બધા ભેગા થાય છે અને વિચારોનું આદાનપ્રદાન થાય છે. वसुधैवकुटुंबकम्ની ભાવનાના મૂળ તહેવારોમાં પણ સમાયેલા છે. 

     હોલિકાદહન મનુષ્યો માટે સૌથી આદર્શ તહેવાર છે. ચૈત્રાદિ વર્ષની બધી પૂર્ણિમાઓ ગઇ અને આ અંતિમ પૂર્ણિમા આવી છે. નવા વર્ષની શરૂઆત પવિત્ર શારદિય નવરાત્રથી થવાની છે, ત્યારે આપણા મનને સ્વચ્છ અને પવિત્ર બનાવવાનો અને આત્માગ્નિથી રાક્ષસીવૃત્તિઓ અને કામદિ દોષોનુ દહન કરવાનુ છે. शिव संकल्पमस्तु ભૂતકાળની ભૂલોને-દોષોને બાળી પ્રાયશ્ચિત્ત કરવાનુ છે અને નવા કલ્યાણકારી સંકલ્પો કરવાના છે. વેદો કહે છે કે, अग्ने नय सुपथा – હે અગ્નિ! અમને સન્માર્ગ પર લઇ જાઓ. 

     પૌરાણિક કથા અનુસાર હોલિકા એ હિરણ્યકશિપુ નામના દૈત્યરાજની બહેન છે. તેણે ઘણુ તપ કરી બ્રહ્માજી પાસેથી એવુ વરદાન પ્રાપ્ત કર્યુ કે અગ્નિ તેનો દાહ ન કરી શકે. પ્રહ્લાદજી કે જે હિરણ્યકશિપુના પુત્ર છે તે જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે નારદજી દ્વારા ભક્તિમાર્ગ પર વળેલા. પરિણામે દૈત્યકુલમાં પણ ભગવાન વિષ્ણુના પરમ ભક્તનો જન્મ થયો. દૈત્યરાજ ભગવાનને પોતાનો શત્રુ માને છે, પ્રહ્લાદજીની ભક્તિ તેને ગમતી નથી. તેનો નાશ કરવા માટે દૈત્યરાજની બહેન હોલિકા, પ્રહ્લાદજીને પોતાના ખોળામાં બેસાડી ચિતામાં ભસ્મ કરવાનો પ્રયત્ન કરે છે. દૈત્યવૃત્તિતો જીવનભર હતી જ પરંતુ હવે તેના પાપનો ઘડો ભરાયો, તેનો આશય ખોટો હતો, વિધિના વિધાનની વિરૂદ્ધનો હતો માટે સ્વયં તેનો જ નાશ થયો. 

     હોલિકાદહન એ પ્રતિક છે ભારતીય આદર્શો, મૂલ્યો અને સિદ્ધાન્તોનું, અધર્મ પર ધર્મના અને અસત્ય પર સત્યના વિજયનું.सत्यमेव जयते આ તહેવારથી મનુષ્યોને અનેક સંદેશ પ્રાપ્ત થાય છે. 

     વિધિનુ વિધાન એટલે સનાતન ધર્મ. સનાતનધર્મ એ છે, કે જે ભગવાન દ્વારા રચાયેલો છે, કહેવાયેલો છે. ભગવદ્ગીતા કે જે સંપૂર્ણ વેદોનો સાર છે તેમાં ભગવાન પ્રતિજ્ઞા કરે છે કે, જે મારી ભક્તિ કરે છે તેનુ હું રક્ષણ કરૂ છું, કલ્યાણ કરૂ છુ. પુરાણોમાં બે વચન કહેલા છે, परोपकार: पुण्याय पापाय परपीडनम्| પરોપકાર પુણ્ય છે અને બીજાને પીડા આપવી તે પાપ છે. રામચરિતમાનસમાં તુલસીદાસજી કહે છે કે, कर्ममूल जगत रचि राखा, जस करहि तस फल चाखा| જે જેવુ કર્મ કરશે તે તેવુ ફલ પામશે, તે કર્મ આ જન્મનુ હોય કે પછી જન્માન્તરોનું હોય. પુણ્યકર્મને ઇશ્વરાર્પિત કરી કર્મબંધનથી મુક્ત થઇ શકાય છે પરંતુ પાપકર્મનું ફલ ભોગવવુ જ પડે. પાપકર્મ-અધર્મનું ફલ મનુસ્મૃતિમાં લખ્યું છે - नाधर्मश्चरितो लोके सद्य: फलति गौरिव| शनैरावर्तमानस्तु कर्तुर्मूलानि कृन्तति|| કરેલો અધર્મ ભૂમિ કે ગાયની જેમ તત્કાલ ફલ નથી આપતો, પરંતુ ધીરે ધીરે ફલોન્મુખ થતા, તે (અધર્મ) કર્તાના મૂળને જ કાપી નાખે છે, અર્થાત્ ભૂમિમાં કંઇક પાક કરો, વૃક્ષ વાવો તો ૨-૩ મહિના કે વધુમાં વધુ ૪-૫ કે ૨૦ વર્ષમાં તેનુ ફલ મળી જાય છે. ગાય રોજ રોજ ભોજન કરે તો રોજ રોજ દૂધ આપ્યા કરે છે તેનુ ફલ પણ તત્કાળ છે. પરંતુ સૃષ્ટિમાં અધર્મના આચરણરૂપી કર્મોને જે વાવે છે, તેના કર્મો જ્યારે પાકે છે, ત્યારે તેના ધન, દેહ આદિનો નાશ કરે છે, તેનો સમૂળ વિનાશ થાય છે. 

     હોલિકા દહનએ ભારતીય સનાતન પરંપરાનો સૌથી મોટો જે સિદ્ધાંત છે તેનુ જ્ઞાન કરાવે છે. ભગવાન કણ-કણમાં છે. ગીતામાં ભગવાન કહે છે કે यो यो यां यां तनुं भक्त: श्रद्धयार्चितुमिच्छति तस्यतस्याचलांश्रद्धां तामैव विदधाम्यहम्| જે જે જેમાં જેમાં શ્રદ્ધાપૂર્વક મને જુવે છે, તેની શ્રદ્ધાને અચળ કરવા માટે હું તેમાં આવુ છુ. આમ સ્વયં ભગવાન પણ શ્રદ્ધાથી બંધાયેલા છે. તેનુ પ્રમાણ-ઉદાહરણ એ છે કે જ્યારે હિરણ્યકશિપુએ પ્રહ્લાદને પુછ્યુ કે, શું આ તપ્ત થાંભલામાં પણ તારો ભગવાન છે? તો પ્રહ્લાદજી કહે છે કે હા! મને થાંભલામાં પણ તેમના દર્શન થાય છે. ત્યારે હિરણ્યકશિપુ થાંભલાને તોડી નાખે છે અને પ્રહ્લાદજીની શ્રદ્ધાને અચળ કરવા માટે અને સંપૂર્ણ સંસારને વિશ્વાસ અપાવવા માટે સ્વયં નારાયણ, નૃસિંહ સ્વરૂપ ધારણ કરીને સ્તંભમાંથી પ્રગટ થાય છે અને દૈત્યવૃત્તિનો સંહાર કરે છે. 

     દૈત્યરાજે રાક્ષસીવૃત્તિઓનો વિજય થાય તે માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, તેના ભાગરૂપે સભાની વચમાં હોલિકાની ચિતાને સ્થાપી હતી કે જેથી લોકોમાં ભય પેદા થાય, લોકોને સ્મરણ રહે કે, જે રાક્ષસોની વિરૂદ્ધ છે તેને બાળવામાં આવશે. પરંતુ ભગવાને લીલા કરી, અને આજે પણ આ જ ઘટના લોકોને સ્મરણ કરાવે છે કે ભગવાન સર્વત્ર અને સદાકાળથી છે. શ્રીમદ્ભાગવતમાં શુકદેવજી કહે છે કે, एतावान् सांख्ययोगाभ्यां स्वधर्मपरिनिष्ठया| जन्मलाभ: पर: पुंसामन्ते नारायणस्मृति:|| “મનુષ્ય જન્મનો એ જ લાભ છે કે,જ્ઞાનથી, ભક્તિથી કે પોતાના ધર્મની નિષ્ઠાથી જીવનને એવુ બનાવી શકાય છે કે જેનાથી મૃત્યુના સમયે ભગવાનની સ્મૃતિ અવશ્ય બનેલી રહે.” જેનાથી આત્માને ભગવાનનુ સાન્નિધ્ય પ્રાપ્ત થાય છે. સ્મશાનો ગામના છેવાડે હોય છે, આપણે પણ એક દિવસ ભસ્મીભૂત થવાના છીએ તેમ સ્મૃતિ કરાવે છે. પરંતુ હોલિકા દહન ગામની વચ્ચે થાય છે અને જે લોકોને સ્મૃતિ અપાવે છે કે, ભગવાન સર્વત્ર છે, સર્વવ્યાપી છે, ભક્તોનુ રક્ષણ કરે છે, સત્યનો હંમેશા જય થાય છે, तमसो मा ज्योतिर्गमय: અધકારથી પ્રકાશ તરફ, અજ્ઞાનથી જ્ઞાન તરફ ગતિ કરવાની છે. મહાભારતમાં યક્ષ પ્રશ્ન કરે છે કે, સંસારનું સૌથી મોટુ આશ્ચર્ય શું છે? યુધિષ્ઠીર જવાબ આપે છે કે, સૌનુ મૃત્યુ નિશ્ચિત છે છતાંય લોકો જાણે અમર હોય તેવી રીતે આચરણ કરે છે, તે જ સૌથી મોટુ આશ્ચર્ય છે. સંસાર સમુદ્રમાં આ જીવનરૂપી પરપોટો ક્યારે ફુટી જશે તે ખબર નથી છતાં ભગવાનને કાલે ભજીશું આજે મોજ-મઝા કરી લો, પહેલા પોતે ભેગુ કરી લો પછી લોકો માટે વાપરીશુ આ જે વિચારધારા છે, તે ખોટી છે. સ્કંદપુરાણમાં સત્યનારાયણની કથામાં આવે છે કે આ લોકમાં સુખ ભોગવી અંતે સત્યપુર-ભગવાનના ધામમાં ગયો. આમ, ભારતીય સંસ્કૃતિમાં સુખ ભોગવવાની ના ક્યાંય નથી પાડી, આપણો ધર્મ તો ભુક્તિ અને મુક્તિ એમ બન્ને આપવાવાળો છે. અનેક કર્મો કરતો મનુષ્ય જ્યારે હોલિકા દહન થતુ જુવે છે ત્યારે તેને સ્મૃતિ થાય છે કે મારે પણ પ્રહ્લાદજીની જેમ ભક્તિ કરવાની છે. મારા કર્મને જ પૂજા ગણવાની છે. પરમારત્માની પૂજા જેમ સહૃદય અને વિશ્વાસ-નિષ્ઠાથી કરવાની હોય છે તેમ મારે મારૂ રોજિંદુ કર્મ - ધંધો, નોકરી, વ્યવસાય કે સેવાકાર્ય પણ નિષ્ઠાથી કરવાનુ છે. 

     હોલિકાદહન વખતે અગ્નિમાં નવુ અન્ન અર્પણ કરવામાં આવે છે. ઘી, નારિયેળ, બીજોરાની આહુતિ આપવામાં આવે છે. પરંપરા મુજબ કાચી કેરી, ધાણી, ખજૂર આદિ હોલિકાગ્નિમાં ધરાવાય છે. ૐ હોલિકાયૈ નમ: મંત્રનો જપ કરવામાં આવે છે. પાણીની ધારા કરતા અગ્નિની ઓછામાં ઓછી ત્રણ પ્રદક્ષિણા કરી અંતે તેની ભસ્મ ધારણ કરવામાં આવે છે. 

     આ કળયુગની વિડંબના જ છે કે તહેવારોના મૂળ આશયોને સમજવા જે પ્રયત્નો થવા જોઇએ તે થતા નથી. વાસ્તવમાં જેમ અગ્નિહોત્રકર્મમાં થાય છે તે રીતે, હોલિકાદહનમાં પણ સૂકા યજ્ઞીય કાષ્ઠ(લાકડા)નો, ગાયના ગોબરનો, ઘી નો ઉપયોગ થવો જોઇએ. કે જેના પવિત્ર ધુમ્રથી વાતાવરણમાંથી અપવિત્રતા-રોગોનાં જંતુઓનો નાશ થાય. તેની જગ્યાએ રબરના ટાયરો અને કેરોસીન અને પેટ્રોલના ભડકામાત્ર કરવામાં આવે છે. જે પ્રદુષણ ફેલાવે છે. આ ગ્લોબલ વોર્મિંગમાં આપણી પરંપરાઓ નિમિત્ત બને છે, જે સદંતર બંધ થવુ જોઇએ તેની શરૂઆત આપણે જ કરવાની છે. જે રીતે ગણપતિ વિસર્જનમાં ગણપતિની માટીની મૂર્તિનો ઉપયોગ કરવાનુ આપણે સ્વીકાર્યુ છે તે જ રીતે હોલિકા દહન દ્વારા પણ સૃષ્ટિને લાભ થાય તેની વ્યવસ્થા આપણે કરવાની છે. લોકો દર્શન તો કરી શકે પરંતુ તમને નડે નહિ તેવા સ્થાન પર હોલિકા દહન કરવું જોઇએ. 

     ધર્મસિન્ધુ આદિ અનેક ગ્રંથોમાં હોલિકાદહનની વિધિ દર્શાવેલી છે તો જ્યાં જ્યાં હોલિકા દહન થતુ હોય ત્યાં ત્યાં વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી મંત્ર-વિધિપૂર્વક હોલિકાદહન કરવામાં આવે તો સંપૂર્ણ દેવતાઓ પ્રસન્ન થાય છે. 

                                                                             Home

                                                                www.shrikrishnashram.org

 

Comments